મોક્ષદા એકાદશી મહિમા :
પૌરાણિક માન્યતાઓ અનુસાર માગશર માહિનાની એકાદશી ને ખૂબ જ શુભ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે જે લોકો વિધિ-વિધાન મુજબ ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરે છે અને ઉપવાસ રાખે છે તે વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે. વિક્રમ સંવત પ્રમાણે હિન્દુ પંચાંગનાં વર્ષનાં દ્વિતીય માસ માગશરની સુદ અગિયારસને મોક્ષદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. જે આ વર્ષે 3 ડિસેમ્બર 2022, શનિવારના રોજ આવે છે.
એવું કહેવાય છે કે, આ એકાદશી નાં દિવસે વ્રત કરવાથી વ્રત કરનાર નાં દરેક પાપોનો નાશ થાય છે અને તેની સર્વેઈચ્છા પૂર્ણ થાય છે. શક્ષત્રો મુજબ મહાભારતના યુદ્ધના સમયે જ્યારે અર્જુનને વિષાદ થાય છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે ભગવદ ગીતાજીનો ઉપદેશ આપીને અર્જુનના મોહનું નિવારણ કર્યુ હતુ અને યુદ્ધ કરવા તત્પર કર્યો હતો અને તે દિવસ હતો માગશર મહિનાની શુક્લ પક્ષની એકાદશી. તેથી આ દિવસે ગીતા જયંતિ પણ ઉજવાય છે. ગીતાજી એકમાત્ર એવો ગ્રંથ છે કે જેની જયંતી ઉજવાય છે અને આ ગીતાજીમાં કોઈ દેવી દેવતા કે ધર્મ વિષે નહિ પરંતુ મનુષ્યની જીવન જીવવાની રીત ભગવાને સમજાવી છે. કહેવાય છે કે આ દિવસે ગીતાનાં શ્લોક વાંચનાર અને સાંભળનારને મોક્ષ અવશ્ય મળે છે.
મોક્ષદા એકાદશી વ્રતવિધિ :
એકાદશીના આગલા દિવસે સૂર્યાસ્ત પછી કાંઇ જમવું નહીં. રાત્રે ભૂખ લાગે તો જ ફળાહાર કે દૂધ લઈ શકાય. ત્યારપછી એકાદશીના દિવસે સવારે વહેલા ઊઠી નિત્ય કર્મો કરી ભગવાનની સેવા પૂજા કરવી. ધૂપ દીપ સહિત એક વિષ્ણુ ભગવાનના 1000 નામનો પાઠ કરવો. તે પછી એક લોટો લઈ તેમાં શુદ્ધ જળ તથા કંકુ -ચોખા પધરાવી નજીકના પીપળે જઇ ત્રણ, પાંચ કે સાત પ્રદક્ષિણા સહિત તે જળ પીપળે ચડાવવું. આજે બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી, ભૂખ્યા ગરીબ લોકોને જમાડવું, મૂંગા પશુ પક્ષીને ખવડાવવું. દિવસ દરમિયાન ઉપવાસ કરવો ઉપવાસ ન થાય તો દૂધ કે ફળાહાર લઇ શકાય. સાંજે ફરી ભગવાનની પૂજા કરવી અને આજે ગીતા જયંતી છે તો ગીતાજીના અધ્યાયનો પાઠ કરવો. મનમાં ૐ નમો ભગવતે વાસુદેવાય અથવા શ્રી કૃષ્ણ શરણં મમના જાપ જપવા. થાય ત્યાં સુધી રાત્રે સુધી જાગરણ કરવું. બીજા દિવસે બારસના દિવસે વ્રતના પારણા કરવાના.
ભગવદ ગીતાના મહત્વના 9 શ્લોક કે જે છે ગીતા સાર સમાન
મોક્ષદા એકાદશી વ્રતકથા :
યુધિષ્ઠિર બોલ્યા : ‘હે પ્રભુ ! માગસર મહિનાના શુકલ પક્ષમાં કઈ એકાદશી આવે છે. તેની પૂજા વિધિ તથા મહાત્મ્ય કૃપા કરીને જણાવો.
શ્રી કૃષ્ણે કહ્યું : ‘હે રાજન્ ! માગસર મહિનાની શુકલ પક્ષની એકાદશીનું નામ મૌક્ષદા એકાદશી છે. એ બધાય પાપોને હરણ કરનારી છે. હે રાજન્ ! આ દિવસે પ્રયત્નપૂર્વક તુલસીની મંજરી અને ધૂપ-દીપથી ભગવાન દામોદરનું પૂજન કરવું જોઈએ. મૌક્ષદા એકાદશી મોટા મોટા પાતકોનો નાશ કરનારી છે. આ દિવસે રાત્રે જાગરણ કરવું જરૂરી છે. જેના પૂર્વજો પાપી કે નીચ યોનિમાં પડ્યા હોય તેઓ આ એકાદશીએ પુણ્યદાન કરે તો એના પિતૃઓ મોક્ષ પ્રાપ્ત કરે છે.
પૂર્વકાળની વાત છે. ચંપકનગરમાં વૈખાનસ નામનો રાજા રાજ્ય કરતો હતો. એ પોતાની પ્રજાનું પુત્રની માફક પાલન કરતો હતો. એક દિવસ રાજાએ રાત્રે સપનામાં પોતાના પિતૃઓને નરક યોનિમાં પડેલા જોયાં. આ બધાને આવી અવસ્થામાં પડેલા જોઈને રાજાને ઘણી જ નવાઈ લાગી. અને સવારે ઊઠીને તરત જ વિદ્વાન બ્રાહ્મણોને આ સપનાની વાત કરી.’
રાજા બોલ્યા : ‘હે બ્રાહ્મણો ! મેં મારા પિતૃઓને નરકમાં પડેલાં જોયા છે. તેઓ રડતાં રડતાં મને કહી રહ્યાં હતા કે, ‘તું અમારો તનુજ છે. આથી આ નરક રૂપી સમુદ્રમાંથી અમારો ઉદ્ધાર કર.’ હે વિદ્વાનો ! આવી હાલતમાં મને પિતૃઓના દર્શન થયા છે. આથી મને ચેન પડતું નથી. શું કરું ? ક્યાં જાઉં ? મારું હૃદય રૂંધાઈ રહ્યું છે. હે પ્રિયજનો ! એવું વ્રત, એવું તપ અને એવો યોગ કહેવાની કૃપા કરો કે જેનાથી મારા પૂર્વજોને તરત જ નરકમાંથી છૂટકારો મળે. મારા જેવો બળવાન અને સાહસિક પુત્ર જીવતો હોવા છતાં પણ મારા માતા-પિતા ઘોર નરકમાં સબડી રહ્યા છે. આવા પુત્રથી શું લાભ !’
બ્રાહ્મણો કહે : ‘રાજન્ ! અહીંથી થોડેક દૂર પર્વત મુનિનો આશ્રમ છે. મુનિ ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળના પણ જ્ઞાતા છે. હે રાજન્ ! આપ એમની પાસે જાવ.' બ્રાહ્મણોની વાત સાંભળીને વૈખાનસ રાજા તરત જ પર્વત મુનિના આશ્રમે ગયા. ત્યાં એ મહાન ઋષિને જોઈને, એમને દંડવત પ્રણામ કરીને મુનિશ્રીના ચરણોનો સ્પર્શ કર્યો. મુનિએ રાજાને આવવાનું કારણ પૂછ્યું. રાજા બોલ્યા : હે મુનિશ્રી, મેં સપનામાં જોયું છે કે મારા પિતૃઓ નરકમાં પડ્યાં છે. આથી આપ જણાવો કે પુણ્યના પ્રભાવથી એમનો ત્યાંથી છૂટકારો થાય ? રાજાની વાત સાંભળીને મુનિશ્રી થોડીવાર માટે ધ્યાનમાં બેસી રહ્યાં. ત્યાર બાદ તેઓ બોલ્યા : ‘હે રાજન્ ! માગશર મહિનાના શુકલ પક્ષની જે ‘મોક્ષદા' નામની એકાદશી આવે છે, એનું તમે વ્રત કરો. એનું પુણ્ય તમે પિતૃઓને અર્પણ કરો. આ પુણ્યના પ્રભાવથી નરકમાંથી તેમનો છૂટકારો થશે. રાજાએ મુનિશ્રીના કહેવા પ્રમાણે માગસર મહિનાની શુકલ પક્ષ એકાદશીનું વ્રત કર્યું અને એનું પુણ્ય પિતૃઓ સહિત પિતાને અર્પણ કર્યું. પુણ્ય અર્પણ કરવાની સાથે જ ક્ષણવારમાં આકાશમાંથી ફૂલોની વર્ષા થવા લાગી. રાજાના પિતૃઓનો નરકમાંથી છૂટકારો થયો.’
0 Comments